લખાણ પર જાઓ

સભ્ય:Gazal world/My sandbox

વિકિકોશમાંથી
  • વરસાદથી નાનાં નાનાં ખાબોચિયાં ભરાઈ ગયાં છે તે અહીં બીજે માળે બેઠો બેઠો જોઉં છું. અવાજ અહીં બોદા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડાડો તો એ બધા અહીં સિગારેટ પરની રાખની જેમ ખરી પડે. અહીં તું આવે તો હું તને એક અક્ષર નહિ બોલવા દઉં. તારો અવાજ આમ ખરી પડે તે મને નહિ ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પુરાઈને અકળાય છે. તને ખબર છે – એવું જ, આંસુથી ડહોળાયેલી તારી આંખોમાં કેદ થયેલું, અજવાળું મુક્ત કરતાં મને શું શું વીત્યું હતું?
  • આંસુથી તું બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દીવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું ખરો, પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય, ને મારાં આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું: ‘હવે તું મોટો થયો. હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કાંઈ આંસુ રહ્યાં હોય તે પાતાળઝરણાને સોંપી આવ.’ આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી, એમાંનું થોડુંક ઝિલાય છે પવનમાં, થોડુંક જળમાં.
  • કોઈ મને પૂછે કે તારે અને માલાને શેનો સમ્બન્ધ – તો હું કહું કે મૌનનો સમ્બન્ધ.
    • તારું મૌન કાંઈ પ્રકટ હોતું નથી. તું તારા પડદાની ઝૂલની વાત કરે છે, ફૂલની વાત કરે છે, વાતો તારી કદી ખૂટતી નથી. પણ એ વાતોની પાછળનું મીંઢું મૌન જોઈને હું છળી મરું છું.
  • અમલ મને તારે વિશે પૂછવાને આવ્યો છે. આ તે કેવી વિચિત્રતા અથવા કહું કે ક્રૂરતા! તું સદા મારાથી જ લપાતી રહે તે છતાં તને શોધનારા બધા તને મારામાં જ શોધતા આવે, બસ એટલા પૂરતો જ મને ઓળખે. હું કેવળ તારે લપાઈ જવા જેટલો અન્ધકાર!
  • હું અજાણ્યાં સ્થળોમાં ભટકું છું. નવા ઘા કરીને લોહીમાંનું ઝેર વહાવી દઉં છું. તું કહેતી હતી તેમ ઝેર પણ મારામાં મીઠું બની જાય છે, પણ એ ઝેર મટી જતું નથી. આથી જ તો તું ઝેરથી નહીં તેટલી મીઠાશથી બચવા દૂર નહોતી ભાગતી? પણ આપણે બંનેએ એકબીજાથી દૂર ભાગવાના કરેલા પ્રયત્નોથી જ ગુંથાયેલી જાળમાં આપણે નથી ફસાઈ ગયા શું?
  • કોઈક વાર જડી જાય છે એવો શબ્દ જે આપણે બંને બાળપણથી શોધતાં હતાં. એ શબ્દમાંથી કશું બાદ કરવાનું રહેતું નથી. તડકામાં ઊભી રહીને તું મારી સાથે વાત કરતાં ઊંચું જોતી હતી ત્યારે તારી આંખો જે રીતે સંકોચાતી હતી તે પણ એમાં છે; ને એક સાંજે તું આવીને હીબકાં ભરતી આંસુ સારતી મારી પાસે ઊભી રહી હતી ને પછી કશું બોલ્યા વિના ચાલી ગઈ હતી તે મૌનનો ભેજ પણ એમાં છે; મથી મથીને હિમ જેવો કરેલો મારો રોષ પણ એમાં છે. આપણે જે જે રસ્તે કશું બોલ્યા વિના લટાર મારેલી તે રસ્તાનાં વીંટાળી લીધેલાં ગૂંછળાં, તે રસ્તા પરના દીવાઓની થરકતી જ્યોત, તે રસ્તાના ખૂણાઓમાંનાં ઘવાયેલાં ગાત્રવાળો અન્ધકાર, આપણી ચારેબાજુ હવામાં ઊડતી ડમરીની જેમ ચકરાતા શહેરના ચિત્રવિચિત્ર અવાજો ને ચિત્કારો પણ એમાં છે
  • કોઈ ગમે તે માને, મારા લેખનનું મિથ્યાત્વ હું સમજું છું ને એ મિથ્યાત્વમાં જ એની સાર્થકતા રહી છે તે પણ હું જાણું છું. મારા લેખનમાં મેં તને પૂરી દીધી નથી, એ દ્વારા હું તને મુક્ત કરતો જાઉં છું.
  • આજે મને જડેલો શબ્દ તારા મૌન વિના ઘડાયો ન હોત. આથી જ તો એ શબ્દને નિમિત્તે આપણી અવિભિન્નતાનું તને સ્મરણ કરાવું છું. પણ સ્મરણ જીવનારાઓની સંપત્તિ છે એમ તું માને છે?
  • હું કેવળ શબ્દોની સંખ્યા ગણું છું. એક શબ્દને બીજા શબ્દ સાથે જોડતો નથી. ક્ષણને ક્ષણ સાથે, શબ્દને શબ્દ સાથે, માણસને ઈશ્વર સાથે જોડવાને જે જોઈએ તે હું ક્યાંથી લાવું? જોડવાનું એ સ્નેહતત્ત્વ મેં તો આપણી વચ્ચે જ લુંટાવી દીધું હતું!