મીમાંસા
Appearance
- ૧. (સ્ત્રી.) ચાર વેદના ઉપાંગો માંહેની એક પદ્ધતિ. મીમાંસાશાસ્ત્રમાં યજ્ઞોનું વિસ્તૃત વિવેચન છે, તેથી તેને યજ્ઞવિદ્યા પણ કહે છે. વળી તે બાર અધ્યાયોમાં વિભક્ત થવાને લીધે દ્વાદશલક્ષણી પણ કહેવાય છે. એના બે ભેદ છે: ધર્મમીમાંસા અથવા પૂર્વમીમાંસા અને બીજી બ્રહ્મમીમાંસા અથવા ઉત્તરમીમાંસા. પહેલીના કર્તા જૈમિની છે તેમાં કર્મ અનુષ્ઠાનની રીતિ પ્રતિપાદન કીધી છે. આ શાસ્ત્રનું પૂર્વમીમાંસા નામ એટલા માટે નથી રાખવામાં આવ્યું કે તે ઉત્તરમીમાંસાની પહેલાં બન્યુ; પણ પૂર્વ કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મકાંડ મનુષ્યનો પ્રથમ ધર્મ છે. જ્ઞાનકાંડનો અધિકાર ત્યાર પછી આવતો હોઈ ને બીજાને ઉત્તરમીમાંસા કહેલ છે. ઉત્તરમીમાંસાના કર્તા વ્યાસ છે. તેના ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયના ચાર ચાર પાદ છે. એથી બ્રહ્મવિત્ બ્રહ્મ થાય છે. એનુ શારીરિકશાસ્ત્ર પણ નામ છે. એ ઉપર શ્રી શંકરાચાર્યનું ભાષ્ય છે. તેને શારીરિક ભાષ્ય કહે છે. પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા હિંદુતત્ત્વદર્શનમાં મહત્ત્વનાં અંગો છે. જ્ઞાન અને કર્મની સમીક્ષા આ શાસ્ત્રો સુંદર રીતે સમજાવે છે. કહ્યું છે કે, કોઈ પણ ગ્રંથ કે પ્રકરણના તાત્પર્યનિર્ણયને માટે સાત બાબતો ઉપર ધ્યાન દેવું જોઈએ. ઉપક્રમ ( આરંભ ),ઉપસંહાર ( અંત ), અભ્યાસ ( વારંવાર કથન ), અપૂર્વતા ( નવીનતા ), ફળ ( ગ્રંથનું પરિણામ કે લાભ જે બતાવ્યું હોત તે ), અર્થવાદ ( કોઈ વાતને હૃદયમાં ઠસાવવા માટે દૃષ્ટાંત, ઉપમા, ગુણ-કથન વગેરેના રૂપમાં જે કાંઈ કહેવામાં આવે અને જે મુખ્ય વાતના રૂપમાં ન હોય ) અને ઉપપત્તિ ( સાધક પ્રમાણો દ્વારા સિદ્ધ ) મીમાંસાશાસ્ત્ર આવા જ નિયમો દ્વારા વેદના વચનોનું તાત્પર્ય કાઢે છે. શબ્દાર્થોનો નિર્ણય પણ વિચારપૂર્વક કરવામાં આવેલો છે. જેમકે, યજ્ઞને માટે જ્યાં સહસ્ત્ર-સંવત્સર હોય, ત્યાં સંવત્સરનો અર્થ દિવસ લેવો જોઈએ. મીમાંસાશાસ્ત્ર કર્મકાંડનું પ્રતિપાદક છે. તેથી મીમાંસક પૌરુષેય, અપૌરુષેય બધાં વાક્યોને કાર્યબોધક માને છે. તેઓ કહે છે, કે પ્રત્યેક વાક્ય કોઈ પણ વ્યાપાર કે કર્મનું બોધક હોય છે, જેનુ કોઈ ફલ હોય છે. તેઓ કોઈ પણ વાતના સંબંધમાં એવો નિર્ણય કરવો આવશ્યક માને છે કે, તે વિધિવાક્ય એટલે કે, પ્રધાન કર્મસૂચક છે અથવા કેવળ અર્થવાદ છે. જેમકે, રણક્ષેત્રમાં જાઓ, ત્યાં સ્વર્ગ રાખ્યું છે. આ વાક્યમાં બે ખંડ છે. ૧. રણક્ષેત્રમાં જાઓ એ વિધિ વાક્ય છે અને ત્યાં સ્વર્ગ રાખ્યું છે એ કેવલ અર્થવાદ કે ગૌણ બાબત છે. મીમાંસાનો તત્ત્વસિદ્ધાંત વિલક્ષણ છે. એની ગણના અનીશ્વરવાદી દર્શનોમાં છે. આત્મા, બ્રહ્મ, જગત વગેરેનું વિવેચન આમાં નથી. તે કેવળ વેદ કે તેના શબ્દની નિત્યતાનું જ પ્રતિપાદન કરે છે. તેના શબ્દની નિત્યતાનું જ પ્રતિપાદન કરે છે. તેના અનુસાર મંત્ર જ મુખ્ય અગત્યના છે અને તે જ દેવતા છે. દેવતાઓની અલગ કોઈ સત્તા નથી . મીમાંસકોનો તર્ક એમ છે કે, બધાં કર્મ ફળના ઉંદ્દેશ્યથી થાય છે. ફળની પ્રાપ્તિ કર્મ દ્વારા જ થાય છે. તેથી તેઓ કહે છે કે, કર્મ અને તેના પ્રતિપાદક વચનો સિવાય કોઈ દેવતા કે ઈશ્વરને માનવાની શું જરૂર છે? મીમાંસકો અને નૈયાયિકોમાં ઘણો મોટો ભેદ એ છે કે, મીમાંસકો શબ્દને નિત્ય માને છે અને નૈયાયિકો અનિત્ય. સાંખ્ય અને મીમાંસા બંને અનીશ્વરવાદી છે, પરંતુ વેદની પ્રામાણિકતા બંને માને છે. ભેદ એટલો જ છે કે સાંખ્ય દરેક કલ્પમાં વેદનું નવીન પ્રકાશન માને છે અને મીમાંસક તેને નિત્ય અથવા કલ્પાંતમાં પણ નાશ ન થનાર કહે છે.
- ૨. (સ્ત્રી.) ચોકસી; તલાશ; તપાસ; શોધ.
- રૂઢિપ્રયોગ મીમાંસા કરવી = તપાસ કરવી.
- ૩. (સ્ત્રી.) ઝીણવટે વિચાર ચલાવવો તે; બારીક વિચારણ; ઊંડી વિચારણા; વિચારપૂર્વક તત્ત્વનો નિર્ણય કરવો તે.
- વ્યુત્પત્તિ [સંસ્કૃત] સં. મન્ ( વિચાર કરવો )
- ૪. (સ્ત્રી.) ટીકા; વિવેચન; તપાસ; સમાલોચના; વિચારણા, વિમર્શ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
- તરત એ આંખો મીંચી ગઈ તે પ્રસંગે રિખવ સાથે થયેલી રસની ચર્ચા અને મીમાંસા યાદ આવી ગયાં
- ઉદાહરણ
- ૫. (સ્ત્રી.) પરીક્ષા.
- ૬. (સ્ત્રી.) પૂજ્ય વિચાર; પવિત્ર વિયાર.
- ૭. (સ્ત્રી.) વેદના કર્મદાંડ ઉપર લખાયેલ સૂત્રરૂપ એક શાસ્ત્ર; વેદના અર્થ અને કર્મનો નિર્ણય કરનારો ગ્રંથ; કર્મ સંબંધી જેમાં ઉહાપોહ કરેલો છે એવું એક શાસ્ત્ર.
- ૮. (સ્ત્રી.) ( વેદાંત ) વેદનાં વાક્યોનો વિચાર.
- ૯. (સ્ત્રી.) જૈમિનિપ્રણીત પૂર્વમીમાંસાદર્શન (મીમાંસા કરવી.)
- ૧૦. (સ્ત્રી.) વિચારણાશાસ્ત્ર, ‘ટેલિયોલૉજી’.
- ૧૧. વેદના પૂર્વકાંડ, કર્મકાંડ ઉપર લખાયેલું એક શાસ્ત્ર, પૂર્વમીમાંસા, ધર્મદર્શન (‘પૂર્વમીમાંસા’ના સાહશ્યે પછીથી બાદરાયણનાં બ્રહ્મસૂત્રો’ તે ‘ઉત્તરમીમાંસા’)