માઢ

વિકિકોશમાંથી
  • ૧. (પું) એક જાતનો ગોળ,
  • ૨. ( સંગીત ) એક જાતનો રાગ. તે કોઈ પણ સમયે ગાઈ શકાય છે. પલાસી થાટના સંકીર્ણ પ્રકારના રાગોમાં તેનો સમાવશે થાય છે. તેમાં કોમળ તેમ જ શુદ્ધ ગાંધાર, નિષાદનો પ્રયોગ થાય છે. તે સિવાય સર્વ સ્વરો શુદ્ધ છે. તેનો વાદી સ્વર ષડ્જ અને સંવાદી સ્વર પંચમ છે. તેમાં કેટલેક સ્થળે પીલુનો ભાસ થાય છે.
  • 3. ( સંગીત ) એક રાગ; મહાડ,માડ. ગાવાનો વખત રાત્રિનો છે. જાતિ સંપૂર્ણ છે એટલે કે ખરજ અને રિખબ તીવ્ર, ગાંધર તીવ્ર, મધ્યમ તીવ્ર, મધ્યમ કોમળ, પંચમ અને ધૈવત તીવ્ર, નિખાદ કોમળ તીવ્ર બંને, આ પ્રમાણે સાતે સ્વર આવે છે. તેમાં વાદી સ્વર ધૈવત અથવા મધ્યમ છે, ગ્રહ અને ન્યાસ સ્વર ખરજ છે. તે મારૂ દેશ એટલે કે મારવાડમાં સારો અને ઘણો ગવાય છે.
  • ૪. (પું) ( સંગીત ) એક ષાડવ વક્રજાતિ રાગ. તેમાં આરોહમાં સા, ગ, મ, પ, ધ, નિ એમ છ સ્વર અને અવરોહમાં સાતે સ્વર આવે છે. કોઈક વખતે નિ કોમળ લાગે છે. તેનો ગ્રહ સ્વર તથા ન્યાસ સ્વર સ, વાદી સ્વર નિ અને સંવાદી સ્વર ગ છે. ગાવાનો સમય રાતનો બીજો પહોર છે. તે કરુણા અને શૃંગાર રસ ઉત્પન્ન કરે છે તથા ચંચળ પ્રકૃતિવાળો છે.
  • ૫. (પું) કેળનાં થાંભલાને બાજોઠ ફરતાં ગોઠવીને બનાવવામાં આવતો એક જાતનો મંડપ.
  • ૬. (પું) ગલકીનો એક પ્રકારનો વેલો. તેને એક જ ફૂલ અને ફળ આવે છે.
  • ૭. (પું) ગોળની કડાઈ સરખી રાખવા માટે ગોળ રાંધવાની ચૂલની નાળ ઉપર રાખવાનાં આવતો પથ્થર.
  • ૮. (પું) મહેલ; મેડીવાળું સુંદર મકાન.
    • ઉપયોગ :રજપૂતાણી એના માઢ ઉપર કમાડની તરડમાંથી જોતી હતી. -મેઘાણી
  • ૯. (પું) માહાડ; વાઢ વાવવાના ખેતરમાં હળની ગણ દેવાથી ઉખડેલ ઢેફાં ભાંગવા માટે વપરાતું સાંતી.
  • ૧૦. (પું) મેડી.
    • ઉપયોગ: તેની ખડકી ઉપર માઢ હતો અને અંદર ખુલ્લું ચોગાન હતું. – કનૈયાલાલ મુનશી
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
      મેડી ઉપરના માઢની બેવડી ભીંતોના પોલાણમાં સોંસરવા સંચર હતા.
  • ૧૧. (પું) વાસ; લત્તો; મહોલ્લો.
  • ૧૨. (પું) શેરડી પીલવાના ચીચોડાની બુટડી અને સળને માથે રહે છે તે ભાગ
  • ૧૩. (પું) શેરી; પોળ.
  • ૧૪. (ન.) એ નામનું એક વૃક્ષ. તેનું થડ જાડું અને ઉપર છેડઉતાર હોય છે. તેને ઉપર હાથ જેવી છેડુંના લુમખાં આવે છે અને પાન નાળિયેરી જેવાં હોય છે.
  • ૧૫. (પું) ગોળની કડાઈ સરખી રાખવા માટે ચૂલની નાળ ઉપર રાખવામાં આવતો પથ્થર,